લોકડાઉન દરમ્યાન મારી સ્વયંની ખોજ

ઊગી નીકળો


દોડતા’તા ત્યારે લાગતું’તું કે આપણાં જેવું કોઈ સમર્થ નથી,

સ્હેજ નવરા પડ્યા ત્યારે લાગ્યું કે આટલું દોડ્યાં તેનો કોઈ અર્થ નથી

~ સુરેશ દલાલ

ઘણું દોડ્યા, હવે થાક્યા.બેઠા ને જોયું તો સામે ઝાકળમાં પ્રતિબિંબ સૂરજ ઊગતા ઓઝલ થઇ ગયો. જાણે ગણિતનો દાખલો નિ:શેષ થઈ ગયો છે. એક એવી ગુફાની કલ્પના કરીએ કે જેના મુખમાં આગ લાગી છે તેના પ્રકાશમાં આપણે આપણો પડછાયો જોઈ રહ્યા છે. બહાર નીકળી શકતા નથી  અને આજે ધરતીના છેડે બેઠા બેઠા માનવીની લગાડેલી આગને જોઈ રહ્યા છીએ.

આ રોજ બરોજના ઢસરડામાં ખંભાતિયું તાળું વાગી ગયું. રોજના સેલમાં ચાલતા ફરતા લોકો આજ શેલમાં મોતી થઈ પોઢી ગયા છે. બસ, રીક્ષા, ગાડી, આગગાડી વગેરે બધા સ્વયંભૂ બંધ થઈ ગયા છે. આ આગગાડી અટલા વર્ષે ઠરી છે ને ઠારવા વાળો કંઈ સામાન્ય જીવ નથી. ક્યાંક કહેવાયું છે કે માનવીએ ખુદ તેની તાજપોશી કરી છે. નોવેલ કોરોના વાઇરસ. ચાઇનીઝ તાજ અંદર લખ્યું હતું ડૅથ- મેડ ઈન ચાઈના.

આ વાઈરસ રસમય અને વિસ્મય સૃષ્ટિ ધરાવે છે. આમ તો બધાના પૂર્વજો એક જ કહેવાય. શરૂઆતના ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, બન્યા અને જીવનની શરૂઆત થઈ ત્યારબાદ શરૂઆત એકકોષી જીવ અસ્તિત્વમાં આવ્યા. તેમાં બેક્ટેરિયા અને વાઈરસનો સમાવેશ થાય છે. આ સૂક્ષ્મજીવ કણ-કણમાં, હા આપણા શરીરમાં પણ વસે છે. પરંતુ બધા વાઇરસ નુકસાન કરતા નથી હોતા. ઘણા તો મદદ કરે છે. ઉપરાંત તેમનું બંધારણ પણ સાદું છે. એક આર.એન.એ. અને તેના ઉપર પ્રોટીનનું રરક્ષત્મક આવરણ. એક ઉપસેલા પ્રોટીન જે યજમાન કોષમાં દાખલ થવાનું કામ કરે જેને હિમોગલુટાટીન કહેવાય. તે કોષના પ્રોટીનનો ઉપયોગ કરી પોતાને દિવસે બે ગણો અને રાત્રે ચાર ગણો વધે તેમ નાગપાશ વીંટે તેમ.અને ત્યારબાદ તે કોષમાંથી નવા જન્મેલા વાઈરસને બહાર નીકળવા ભીંગડા જેવું બીજું પ્રોટીન. જે છે ન્યુરામીનીડેઝ . અંદર જવાનું વિસ્તરવાનું બહાર નીકળી જવાનું તેનો એકમાત્ર સિદ્ધાંત.

હવે વિચારીએ કે આ બાયોલોજી ને આપણે શું! આપણે પણ કોષથી રચાયેલા છીએ. જો સ્વયંની ખોજ કરવી છે તો કુદરતી રસ્તો અપનાવવો રહ્યો. અહીંયા મત્સ્ય ન્યાય અને જે કુદરત અને ફેરફારને અનુકૂલન સાધી શકે તે આગળ વધશે. આજે આ કોરોના વાઈરસ ડીસિસ એટલે કોવિડ-૧૯. આપણા પર બળવાન સાબિત થઈ જાય તો આપણે ક્યાં ફરિયાદ લઈ ને જઈશું? મત્સ્ય ન્યાય પ્રમાણે તે ટકી ગયો તો તે જીતી ગયો. પરંતુ આપણે પણ ક્યાં ઓછા બળવાન છીએ લાખો વર્ષની ઉત્ક્રાંતિ માં આપણે પણ તેમનો સામનો કરીને આગળ આવ્યા છીએ. અને ક્યાંક આપને તેમને પણ આપની અંદર સમાવી લીધા છે. ૮ પ્રતિશત આવા વાઈરસ જે આપણે આઈસોલેટ કરીને આપણી ડી.એન.એ. દાબડીમાં દફનાવી દીધા છે. બસ કોઈ કારણ તેને ખુલજા સીમ સીમ ના કહે. વારસાગત છે અને પરમેનેન્ટ પણ.

હવે સંકળીએ સ્વયં સાથે. ખંભાતિયું તાળું આપણે તોડીને બહાર નથી જવાનું. હિમોગલુટાટીન પ્રોટીનથી આપણે ઘરમાં રહીને પ્રોટીન રૂપી ઇન્ટરનેટ અથવા તો આંતર નેટ થી ખોજ કરવાની છે. સ્વને મેળવવા સ્વેચ્છા પણ હોવી જોઈએ. આ શબ્દમાં સ અને વ જે દંડી થી જોડાય છે તે રામસેતુ છે અંતરમન માં પહોંચવાનો. આ દંડી લાંબી ટૂંકી મોટી પાતળી હોય શકે છે દરેકના અલગ માપદંડ રહેલા છે. કોઈ કાલી નાગ નાથી ને તો કોઈ હિંસા સામે અહિંસાનું બ્રહ્માસ્ત્ર પ્રયોગ કરે. તો કોઈ આ અહિંસાના નેતૃત્વ કરીને સરદાર બને.

ગુફામુખ પાસેની આગથી આપણી અંદર શું આગ વધારે છે? પ્રથમ પ્રશ્ન ત્યાં ઉદભવે છે. શું અત્યારે રામાયણ અને મહાભારત સિવાય આપણે બીજું કંઈ કરવા અસમર્થ છીએ કે પછી કંટાળાનો કાંટો આ ઘાવને ખોતરતો રહે છે? શું રોજના મૃત્યુના સમાચાર મગજને પિતામહની જેમ બાણશૈયા પર રોજ હિંસક યુદ્ધ પ્રદર્શિત કરે છે? આપણા હૃદયમાં શું આપણે હસ્તિનાપુર જીતી શકીશું?પ્રશ્નોના દ્વાર ખખડાવી જવાબ ના મળે તો પણ તેની નજીક જરૂર પહોંચી શકાય છે. યાત્રા લાંબી અને કપરી પણ છે. આ યાત્રા શ્રેષ્ઠ રીતે લોકડાઉન માં કાપી શકાય છે.

પ્રથમ દિવસ , યજમાન ટીવી-વેદીમાં રામાયણ અને મહાભારતનો યજ્ઞ શરૂ કર્યો. “ના રામે એવું ના કરવું જોઈએ, આ કુટિલ શકુની તો જો.” દિવ્યદૃષ્ટી થી આવા ઉદગાર ઘરે ઘરે નીકળ્યા હશે. દૈનિક ક્રિયા અને યજ્ઞ પછી પણ  ૨૪ કલાક પણ ઘણો લાંબો સમય નીકળ્યો.વચ્ચે ક્યાંક છપાયું હતું કે પૃથ્વી-પ્રદક્ષિણા સમય ૧ માઇક્રો સેકંડ નો વધારો થયો ,હવે તે એનાથી પણ વધુ હશે તેમ આ નવરું વૈજ્ઞાનિક મગજ કહે છે. દરેક વાર આવવામાં ઘણી વાર છે. તો હવે શું? શોખ. મનનો રસ્તો શોખની ગંગોત્રી પાસે થઈને જાય છે. કોઈ એક શોખ આપણને મનના ઉચાટ, આનંદ, ગુસ્સો, કરૂણા, દયા વગેરે ભાવ પ્રગટ કરવાની શક્તિ આપે છે. અને શોખને ધ્યાનનો એક પ્રકાર પણ ગણી જ શકાય. કદાચ સૌથી સરળ પણ કારણકે તે આપણા અંદરથી આવે છે અને આપણને અંદર તરફ લઈ જાય છે.

ટપકાં ટપકાં કરતા ગયા ને રેતઘડીમાંથી પણ ટપકાં સરકતા ગયા. સરળ જરાય પણ નહતું કારણ આંખો સામે તરતું હતું. રોજનીશીની મહેફિલમાં શોખ માટે ફુરસત કાઢવી પડતી હતી. જ્યારે આજે હરીશ ભીમાણીના અવાજમાં સમયે શોખને કૃષ્ણ કહ્યો છે. અને રચયિતાને રચવો ખાંડાની ધારે ચાલવા જેવું છે. ટપકાં કરતા જાણે એવું લાગે કે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યા છીએ, જ્યાં પ્રકાશ છે ત્યાં છૂટા ટપકાં અને જ્યાં અંધકાર છે ત્યાં ભેગા-ભેગા ટપકાં. ઉપરથી જોઈએ તો કાળા માથાનો માનવી જ દીસે.અજબ સંજોગ છે ચિત્ર અને દુનિયાનો જ્યાં જ્ઞાન છે ત્યાં લોકો કોરોનાથી બચે અને અંધકારમાં કોરોનામાં ગરકાવ થાય છે. એક બાજુ કૃષ્ણ શોખ છે તો બીજે કૃશ થતું જાહેર જીવન છે. અંધકાર અને પ્રકાશ આકૃતિ રચે છે. જેમ જેમ ટપકાં આંખો,હોઠ,નાક પર તેના આકારમાં ઢળતા જાય છે તેમ તેમ મુખચિત્ર પ્રગટ થતું જાય છે. હા ટપકાં થી થતી ચિત્રકલા થકી લાગ્યું કે શરીરના કોષોને જોડી રહ્યો છું. બહારની દુનિયાનું દૂર થવું અને આપણી અંદર જોડતા જવું. ઉપરાંત આ ટપકાં ભેગા છે ત્યાં ક્યાંક ને ક્યાંક મારી કુટેવના બ્લેક હોલ દેખાય છે. આસાનીથી મારું ધ્યાન ખેંચી રહ્યા છે. રોજનું આળસ કે કોઈ સ્ટરીઓટાઈપ જિંદગીનો કંટાળો કે પછી ક્યાંક થઈ ગળાકાપ સ્પર્ધામાં ચડતી સિદ્ધાંતો ની બલી.  આ ટપકાં જે શ્યાહી થી થાય છે તેને સુકાતા પણ થોડા આંખના પલકારા લાગે છે તો તેમાં તમે તેને હટાવી દો તો તમે તે કુટેવ માંથી મુક્ત નહીંતર હરહંમેશ આ ડાઘ સાથે જીવવાનું. અને જો પેનમાંથી ટપકાં કરતા વધારે સમય શ્યાહી રહે તો તે ફેલાશે. કોઈ કુટેવનું બળ મદિરા પીધેલા હાથીથી ઓછું નથી. અને તેને ફેંકી દેવા કૃષ્ણ જેવું બળ જોઈએ. ઘડીકમાં આ અંધારિયા ટપકાં માં વિહાર કરું છું તો ઘડીક પ્રકાશ મને રસ્તો દેખાડે છે. મનમાં રોજનો કેઓસ, એક અંધાધૂંધી છે. યુદ્ધની પરિસ્થિતિ અંદર વધારે સંગીન છે. મધુર સંગીત નહીં પણ કર્કશ અવાજ છે. જોયું નહતું અત્યાર સુધી અંતરનું પાંજરું કેવું ભેંકાર છે. સામે કોઈ વર્ષો પુરાણો આદમી આવી જાય તો ગભરાવું સ્વાભાવિક છે. પ્રાકૃતિક છે કે કેટલાય વર્ષો કોઈ અવાવરૂ જગ્યા જંગલ કે ભયાનક ખંડેરમાં પરિણમે છે. રોજનીશી આ જગ્યાને કાંટાળી વાડ માં બાંધી રાખી હતી ને આપણને ભારે ભરખમ જવાબદારીના ખાંડણીયા માં બાંધી નાખ્યા છે. બસ દૂરથી નિહાળીએ છે. આજે આપોઆપ આ સાંકળ મુક્ત થયા છે તો સ્વાભાવિક રીતે આ સલામત કુંડાળાને છોડી નથી શકતા.

આ સમયમાં એકાગ્રતા ભંગ કરવા આપણે દરેક સુવિધા વિકસાવી દીધી છે. તો ચિત્ર બનતા જેટલો સમય લાગે તેટલો મોબાઈલ નામના વાઈરસમાં ખવાઈ જાય છે. મોબાઈલ અને કોવિડ-૧૯ ની સરખામણીમાં કોણ ચઢિયાતું કહેવું મુશ્કેલ થઈ જશે. બાલી અને સુગ્રીવ જેવા જુડવા ભાઈ. આપણે નક્કી કરવાનું કે કોને તીર મારવું. આપણા વ્યસનને સ્વીકારી લેવું અને તેને હજી સુધી દૂર કરવામાં નિષ્ફળતા સ્વીકારવી કોઈ ખોટી વાત નથી. સ્વયં નો ભાગ છે . સુધારવાનો છે એટલે તો આ યાત્રા આરંભી છે નહીંતર કાપવા જેવા સસ્તા ઉપાય ક્યાં નથી જડતા. આરંભે શૂરા અને પછી ફૂટતા ફુગ્ગા જેવું કરવાનું નથી. લડત ઘણી લાંબી છે. આ લોકડાઉન માત્ર તેનો આરંભ છે. આપણા સ્વનો નકશો બનાવશું પછી રસ્તાના ચમકારા થશે. કારણકે ગૂગલ બાબા નથી આવવાના ત્યાં. પૃથ્વી પણ ખુદની ખોજમાં આ શાંતિ મેળવવા નવતર પ્રયાસ કર્યો હશે. આપણા માટે વાઈરસ પૃથ્વીનો એન્ટી-વાઈરસ હશે.

આપણા બધા પાસે આ અંધારા અવાવરૂ ખંડેરને સુધારવાની તક હોય છે. જેમ કોઈ વાઈરસના પ્રવેશવાની સાથે આપણા એન્ટીબોડી અને પછી ટી-સેલ તેના હિમોગલુટાટીન સાથે જોડાઈ અને આપણા કોષના પ્રોટીન સુધી પહોંચતા રોકે છે. ૨૧ દિવસનું લોકડાઉન અને ૨૧ દિનનું ચક્ર ઘણીખરી કુટેવો માંથી મુક્ત કરાવે છે. જો જંગલમાં મધપૂડા છે તો મધ પણ અને કાંટા છે તો પુષ્પ પણ. આ જંગલમાં જો તાડકા હોય તો વધ અવશ્ય કરવાનો છે. ત્યારબાદ આ જંગલને ગીર સફારી જેમ વિકસાવી શકાય જ્યાં સિંહ સાથે સ્વયં વિચરવાનું છે.

ક્યાંક જૂની માન્યતાના વટવૃક્ષ ને જડમૂળથી કાઢવાની છે અને ક્યાંક તુલસીક્યારો ઉગાડવાનો છે. નવી શરૂઆત છે. આપણે ખુદાની સાથે ખુદને પણ પોતાનામાં કેદ રાખ્યો છે. તે પથ્થરને ખીલવા દેવાનો છે. અત્યાર સુધી જાણે રોજ રાત અને દિવસના કલર જ બદલ્યા કર્યા છે પણ હવે સૂરજ નવો ઊગવનો છે. સ્વ સૂર્યોદય મુબારક.

ફકત થોડા જ દિવસોમાં જે કંટાળી ગયો ઘરમાં
એ વર્ષોથી કરી બેઠો છે ઈશ્વર કેદ પથ્થરમાં

~અનિલ ચાવડા

હાર્દજ્ઞ વત્સલ વોરા

( નોંધ :- જૂનાગઢ ભાતૃ મંડળમાં નિબંધ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવ્યો હતો.)

Create your website with WordPress.com
Get started
%d bloggers like this: